રાજકોટવાસીઓ જે બ્રિજના લોકાર્પણની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે સાંઢિયા બ્રિજની કામગીરીમાં એવી અજાયબી સામે આવી છે કે જોઈને ખુદ મેયર પણ માથું ખંજવાળવા મજબૂર બન્યા છે! ચોમાસું માથે છે ત્યારે કરોડોના ખર્ચે બનેલા આ નવનિર્મિત બ્રિજમાં વરસાદી પાણીના નિકાલની (ડ્રેનેજ પાઇપ) સિસ્ટમ ગોઠવવાનું જ તંત્ર અને કોન્ટ્રાક્ટર ભણી ગયા છે. સુપરફાસ્ટ સ્પીડે ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ વચ્ચે આ મોટી ખામી સામે આવતા જ બ્રિજનું લોકાર્પણ હવે અનિશ્ચિત સમય માટે અટવાઈ ગયું છે.
મુલાકાતે ખોલી નાખી પોલ!
રાજકોટના મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ જ્યારે ટૂંક સમયમાં યોજાનારા લોકાર્પણ પૂર્વે સાંઢિયા બ્રિજની આખરી મુલાકાતે અને નિરીક્ષણમાં પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બ્રિજની કામગીરીમાં એક-બે નહીં પણ ગંભીર ક્ષતિઓ સામે આવી છે:
પાણીનો નિકાલ ગાયબ: બ્રિજ પરથી વરસાદી પાણી નીચે ઉતારવા માટે એક પણ પાઇપ નાખવામાં આવ્યો નથી!
લેવલિંગનો લોચો: બ્રિજના મુખ્ય જોઈન્ટ્સમાં પ્રોપર લેવલિંગ નથી, જેના કારણે વાહનો ચલાવવામાં પણ ઝટકા લાગે તેવી સ્થિતિ છે.
ફિનિશિંગમાં ધાંધિયા: બ્રિજની ઉપર અને આજુબાજુના ફિનિશિંગ કામમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બ્રિજ નીચે પણ આફત: જો ભવિષ્યમાં બ્રિજની નીચે પાર્કિંગ કે અન્ય કોઈ પબ્લિક સ્પેસનું આયોજન કરવામાં આવે, તો ઉપરથી ધોધમાર પાણી નીચે જ પડવાનું છે, જેનાથી આખો નીચેનો ભાગ ચોમાસામાં સ્વિમિંગ પૂલ બની જશે!
આ પણ વાંચો: 11 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, 60 કિમીની ઝડપે પવન સાથે ત્રાટકશે મેઘરાજા!
એક્શન મોડમાં તંત્ર: બિલ અટકાવવા આદેશ
આ ગંભીર બેદરકારી સામે આવતા જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના પદાધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે:
1. કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ હોલ્ડ: બેદરકાર કોન્ટ્રાક્ટરનું ફાઈનલ બિલ તાત્કાલિક અટકાવી દેવાનો આદેશ કરાયો છે.
2. તાકીદે સુધારાની નોટિસ: બ્રિજમાં તાત્કાલિક વોટર ડ્રેનેજ સિસ્ટમ ફિટ કરવા અને લેવલિંગ સરખું કરવા અલ્ટીમેટમ અપાયું છે.
